પાકિસ્તાનમાં મંદિર પર હુમલો, તોડવામાં આવી ગણેશજીની મૂર્તિ, આગને હવાલે કરવામાં આવ્યું મંદિર

  • પાકિસ્તાનમાં ફરી એકવાર મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. કટ્ટરપંથીઓની આગેવાની હેઠળ હજારો લોકોએ પંજાબ પ્રાંતમાં એક મંદિર પર હુમલો કર્યો અને નુકસાન કર્યું. રહીમ યાર ખાન જિલ્લાના ભવ્ય ગણેશ મંદિરમાં પ્રવેશ્યા બાદ કટ્ટરવાદીઓએ તમામ મૂર્તિઓ તોડી નાખી હતી અને મંદિરના મોટા ભાગમાં આગ લગાવી હતી. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ મંદિરની બહાર ભારે ભીડ એકઠી થઈ હતી. સાથે જ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે આ સ્થળે સેનાને તૈનાત કરવી પડી હતી.
  • ભારતે મંદિર પર હુમલાની સખત નિંદા કરી છે. આ સિવાય પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પણ આ ઘટનાની નોંધ લીધી છે અને પંજાબ પ્રાંતના અધિકારીઓને સમન્સ પાઠવ્યા છે.
  • સમાચાર એજન્સી પીટીઆઈના સમાચાર અનુસાર આ મંદિર લાહોરથી 590 કિમીના અંતરે છે. રહીમયાર ખાન જિલ્લાના ભોંગમાં બનેલું આ મંદિર એકદમ ભવ્ય છે. આ મંદિર ગણેશ મંદિર તરીકે ઓળખાય છે. હજારોની ભીડ સાથે કટ્ટરવાદીઓ દ્વારા અચાનક મંદિર પર હુમલો કરવામાં આવ્યો અને મૂર્તિઓની સંપૂર્ણ તોડફોડ કરવામાં આવી. તેઓએ મંદિરની સજાવટમાં વપરાતા ઝુમ્મર, કાચની વસ્તુઓ પણ નાશ કરી હતી.
  • મંદિરમાં તોડફોડ કર્યા બાદ ટોળાએ મંદિર પરિસરમાં આગ લગાવી દીધી હતી. આ લોકોએ હિન્દુઓને નિશાન બનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ વિસ્તારમાં હિન્દુઓના સો પરિવારો રહે છે. જેનો જીવ હવે જોખમમાં છે. મંદિરમાં આ તોડફોડ કલાકો સુધી ચાલી હતી. આ હિંસા આયોજનબદ્ધ રીતે કરવામાં આવી હતી. પોલીસ પણ હિંસામાં સામેલ હતી.
  • શાસક ઈમરાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફના સાંસદ રમેશ કુમાર વાંકવાણીએ આ હિંસા અંગે કોર્ટમાં અરજી કરી છે. પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ગુલઝાર અહેમદે ફરિયાદની નોંધ લીધી છે અને પંજાબના મુખ્ય સચિવ અને પંજાબ પોલીસ વડાને સમન્સ પાઠવ્યા છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના ખાસ મદદનીશ ડો.શાહબાઝ ગિલે સ્થાનિક વહીવટીતંત્રને કાર્યવાહી કરવા સૂચના આપી છે.
  • વાંકવાણીએ મંદિર પર હુમલાનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોમાં કટ્ટરપંથી મુસ્લિમો ભગવાનની મૂર્તિઓની તોડફોડ કરતા જોવા મળે છે. આ સાથે જ તેઓ મંદિર પરિસરમાં આગ લગાવી રહ્યા છે. સાંસદ વાંકવાણીએ પોતાના ટ્વીટમાં કહ્યું છે કે ભોંગમાં સ્થિતિ ઘણી ખરાબ છે. પોલીસની બેદરકારી શરમજનક છે. તેમણે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પાસે કાર્યવાહીની માંગ કરી અને કહ્યું કે કલાકો સુધી ચાલેલી હિંસામાં અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
  • ભારતે નારાજગી વ્યક્ત કરી
  • ભારત સરકારે મંદિર પર હુમલાની ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે. ભારત સરકારે ગુરુવારે આ મુદ્દે પાકિસ્તાનના ટોચના રાજદ્વારી સાથે વાત કરી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ભારતે પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયોની ધાર્મિક સ્વતંત્રતા પર સતત હુમલાને લઈને પાકિસ્તાનને તેની ચિંતાઓ જણાવી છે.
  • તે જ સમયે ઘટનાના 24 કલાક બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનનું નિવેદન આવ્યું. તેમણે ટ્વીટ કરીને ગણેશ મંદિર પર ગઈકાલે થયેલા હુમલાની સખત નિંદા કરી છે. વચન આપ્યું છે કે તેમની સરકાર આ મંદિરનું પુન:નિર્માણ કરશે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ઈમરાન ખાને ઈસ્લામાબાદમાં મંદિર બનાવવાનું વચન આપ્યું હતું. પરંતુ કટ્ટરવાદીઓના વિરોધને કારણે તે નિર્ણય પાછો ખેંચી લેવાયો હતો.

Post a Comment

0 Comments